Mango Jam
Recipe – વાનગી
Mango Jam – કેરીનો મુરબ્બો
Ingredients – સામગ્રી
1 કિલો તોતાપુરી કેરી
1-1/2 કિલો ખાંડ
કેસર, એલચી, લીંબુનો રસ
Method – રીત
કેરીને ધોઈ, છોલી, મોટા કાણાની છીણીથી છીણી લેવી – એક કલાઈવાળી તપેલીમાં ખાંડ લઈ, તે ડૂબે તેટલું પામી નાંખી, તાપ ઉપર મૂકવુ. ઉકળે એટલે અડધા લીંબુનો રસ નાંખી, મેલ તરી અાવે તે કાઢી લેવો. પછી તેમાં કેરીનું છીણ નાંખવું અને હલાવ્યા કરવું. કેસરને સાધારણ ગરમ કરી,વાટી, થોડા પાણીમાં ઘૂટી અંદર નાંખવું. છીણ બફાય અને ચાસણી અઢીતારી થાય એટલે એલચીનો ભૂકો નાંખી, ઉતારી લેવી. ચાસણીનું ટીપું એક ડિશમાં મૂકી જોવું. મોતી જેવું લાગે અને ઠંડું પડે એટલે ગોળી વળે તો મુરબ્બો બરાબર થયો એમ જાણવું. ચાસણી વધારે પાકી થઈ જાય તો મુરબ્બો કઠણ થઈ જાય અને ચાસણી કાચી રહે તો મુરબ્બો બાર મહિના સારો રહી શકે નહિ. તેથી ચાસણીની ખાસ કાળજી રાખવી. અનુભવથી સમજણ પડી જાય છે.
નોંધ – તોતાપુરી કેરીમાં ખટાશ ઓછી હોય છે. તેથી ખાંડ ઓછી જોઈએ. રાજાપુરીનો મુરબ્બો બનાવવો હોય તો 1 કિલો કેરીએ 2 કિલો ખાંડ જોઈએ અને છીણને બરાબર નિચોવી ખાંડું પાણી કાઢી નાંખવું. મુરબ્બો ઠંડો પડે એટલે કાચની બરણીમાં ભરી, એરટાઈટ ઢાંકણ રાખવું. એક દોરીને દિવેલમાં બોળી, બરણીની આજુબાજુ બાંધી દેવી.આથી કીડી ચઢશે નહિ દોરી કોરી થઇ જાય એટલે ફરી બાંધવી. હવે કીડી માટે ચોક મળે છે તે બરણીની આજુબાજુ ઘસવાથી કીડી ચઢતી નથી. આ મુરબ્બો બાર મહિનાથી પણ વધુ સમય સારો રહી શકે છે.